- વનરાજોનું ચાર માસનું વેકેશન ૧૬ મીએ પૂર્ણ
- દિવાળીના તહેવારોમાં સાસણગીરમાં હજારો પર્યટકો સિંહદર્શન માટે ઊમટી પડશે
- આગામી રવિવારે સાસણ જંગલ ખુલ્લું મૂકાશે
- પ્રવાસીઓ દ્વારા હોટેલોમાં બુકિંગનો ધસારો
ગીરનું જંગલ પ્રવાસીઓ માટે ૧પ જૂનથી ચારમાસ માટે બંધ કરવામાં આવેલ હતું. હવે સાવજોનું વેકેશન પુર્ણ થતુ હોય આગામી ૧૬ ઓક્ટોબરને રવિવારથી ગીરજંગલનાં દ્વાર પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવા વનવિભાગ સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ બન્યુ છે. બીજી તરફ સિંહ દર્શન કરવા વન્યપ્રેમીઓમાં ભારે ઉત્કંઠા હોય સાસણ (ગીર) આસપાસની દરેક હોટલોમાં મોટી સંખ્યામાં ટુરીસ્ટો બુકીગ કરાવી રહ્યા છે.
વનરાજાનું ચાર માસનું વેકેશન પૂર્ણ થઇ રહ્યુ હોય ગીર જંગલમાં મુક્તમને વહિરતા સિંહો સહિતનાં વન્યપ્રાણીઓનાં દર્શન અને ગીરનાં પ્રાકૃતિક સૌંદર્યને માણવા સાસણ જંગલ આગામી ૧૬ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. આ પૂર્વે વનવિભાગ પણ દરેક પ્રવાસીઓને સિંહદર્શન થઇ શકે તે માટે ચોમાસામાં વરસાદથી ખરાબ થયેલા કાચા રસ્તાઓને સમથળ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ દેશ-વિદેશનાં પ્રવાસીઓ અત્યારથી જ સાસણ ભાલછેલ આસપાસની હોટલો રીસોર્ટો અને ખુલ્લા ખેતરોમાં ઉભા કરાયેલા ટેન્ટોમાં મોટી સંખ્યામાં બુકીગો કરાવા લાગ્યા છે. વનવિભાગનું ગેસ્ટહાઉસ ‘સિંહદર્શન’તો અત્યારથી જ હાઉસફુલ થઇ ગયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષોથી ગીર જંગલમાં સિંહદર્શન માટે પ્રવાસીઓમાં આકર્ષણ ઉભુ થયુ હોય પ્રવાસીઓની સંખ્યા ગત બે વર્ષમાં બમણાથી વધુ થઇ ગઇ છે. વનવિભાગે પણ પ્રવાસીઓનાં ભારે ધસારાને પહોંચી વળવા આગોતરા આયોજન સાથે તમામ તૈયારીઓ કરી લીધી છે.
જંગલમાં જતી જીપ્સીઓના કલર ‘લીલા’ કરાશે -
ગીર જંગલમાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે લઇ જતી જીપ્સીઓમાં લીલો કલર જ રાખવા સાસણ (ગીર) નાં તમામ જીપ્સી ચાલકો સાથે વન વિભાગનાં અધિકારીઓએ મીટિંગ કરી નિર્ણય લેવાયો છે. ડી.સી.એફ. ડૉ. અંશુમને જણાવેલ કે સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ વ્હાઇટ અને બ્લેક કલર જોઇ ભડકતા હોય વન્યપ્રાણીઓ પણ આક્રમક ન બને અને લોકોની સલામતી પણ બની રહે તે હેતુ છે.
દિવાળીના તહેવારોમાં વધુ પરમિટો ઇશ્યુ કરાશે
સિંહ દર્શન માટે રોજની ૯૦ પરમીટો ત્રણ તબક્કામાં વનવિભાગ આપે છે. પરંતુ જ્યારે દિવાળી-નાતાલ જેવા તહેવારોમાં પ્રવાસીઓનો જોરદાર ધસારો રહેતો હોય ૧૫૦ પરમીટો ઇશ્યુ કરશે તેમ સાસણનાં ઇન્ચાર્જ ડી.સી.એફ. ડૉ. અંશુમને જણાવ્યું હતું.
સિંહ સદન ખાતે સવલતો વધારાઇ -
સિંહ સદન ખાતે પરમીટો લેવા આવતા પ્રવાસીઓ માટે નવા વોટરકુલર લગાડવા સાથે ડોકયુમેન્ટ્રી ફીલ્મમાં નવા દ્રશ્યો અને સાસણ વનવિભાગનાં કર્મચારીઓ તરફથી ચલાવતા સ્ટોલ કે જેમાં વન્યપ્રાણીઓમાં ફોટોગ્રાફ્સ, કીચન, કેપ, ટીશર્ટ સહિત વધુ નવી વેરાયટીઓ ઉપલબ્ધ થશે.
ગાઇડોને વિશેષ ટ્રેનિંગ અપાઇ –
વનવિભાગ દ્વારા ગાઇડોને વિશેષ પ્રકારની તાલીમ આપવાનો કેમ્પ યોજાયો હતો. તાલીમ મેળવી ચૂકેલા ગાઇડ ટુરીસ્ટોને સરળ શૈલીમાં ગીરનો પરીચય કરાવશે. જેથી પર્યટકોનો પ્રવાસ યાદગાર બની જશે.